ગુજરાતતાજા સમાચાર
સાથે મળીને વિચાર અને વિકાસની શરૂઆત, સાથે મળીને કરાયેલા પ્રવાસથી…

વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થતી ચિંતન શિબિર માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો તથા ઉચ્ચ અધિકારીઓએ વહેલી સવારથી સામૂહિક પ્રવાસ ગોઠવ્યો હતો.
આ ટીમે અમદાવાદ રેલવે સ્ટેશનથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેન મારફતે ધરમપુર તરફ પ્રસ્થાન કર્યું. રાજ્યના સર્વાંગી વિકાસ અને સુશાસનના મિશન હેઠળ આ સામૂહિક પ્રવાસ ‘સાથે મળીને વિચારો, સાથે મળીને આગળ વધો’ના સંદેશને સાકાર કરે છે.
ઉલ્લેખનીય છે કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત, પારદર્શક અને અસરકારક બનાવવા ચિંતન શિબિરની પરંપરાની શરૂઆત કરી હતી. ત્યારથી ચિંતન શિબિરો નીતિનિર્માણ, પ્રશાસન સુધારણા અને અમલીકરણમાં ગતિ લાવવા માટેનું મહત્વનું માધ્યમ બની રહી છે.






