બોટાદ ખાતે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગ, વાસ્મો કચેરી તથા સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા બોટાદ જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ તકે તેમના અધ્યક્ષસ્થાને બોટાદ શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા વિભાગ, વાસ્મો કચેરી તથા સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મંત્રીશ્રીએ બોટાદ જિલ્લાના વિવિધ પ્રગતિ હેઠળના અને સંભવિત સિંચાઈ પ્રોજેક્ટ્સની વિગતવાર સમીક્ષા કરી હતી. ખાસ કરીને જિલ્લાની મહત્વપૂર્ણ નદીઓ જેમ કે ગોમા, સુખભાદર, સીતાપરી, કેરી, ઘેલો તથા અન્ય નદીઓ પર ચેકડેમ શ્રેણી બનાવવાની યોજના અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રીએ સિંચાઈ વિભાગની વિવિધ ચાલુ કામોની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા માટે વિશેષ ધ્યાન આપવાનું સૂચન કર્યું હતું તેમજ દરેક યોજનાનું સમયસર અમલીકરણ અને કાર્યક્ષમ મોનીટરિંગ થાય તે માટે તકેદારી રાખવા સુચના આપી હતી. આ બેઠકમાં સુપરિન્ટેન્ડિંગ ઈજનેર શ્રી આર. જે. ઉપાધ્યાય, એક્ઝિક્યુટિવ ઈજનેર શ્રી વાય. એ. પટેલ, તેમજ બોટાદ જિલ્લાના સિંચાઈ વિભાગના અન્યઅધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાથોસાથ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગ તેમજ વાસ્મો કચેરીના અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ તેમજ આયોજન હેઠળના કામો અંગેની રીવ્યુ બેઠક મળી હતી. જેમાં બોટાદ જિલ્લાની પીવાના પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં બોટાદ જિલ્લાના લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન રહે અને સુખાકારીમાં વધારો થાય તેવી અધ્યક્ષસ્થાનેથી સૂચના આપવામાં આવી હતી. જેમાં સલંગ્ન અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


તમારી આસપાસ બનતી ઘટના ને ટાઈમ્સ વૉચ મા આપવા સંપર્ક કરો
કો – એડિટર :- જયેશ મનુભાઇ મકવાણા
મો. :- ૭૮૭૮૭૫૭૯૭૭



